READ ALOUD BEDTIME STORY FOR KIDS IN GUJARATI [READ IN ENGLISH / GUJARATI LANGUAGES]
બાળવાર્તાઓ (Bedtime Story)- દરેકનાં બાળપણની એક અમૂલ્ય યાદગીરી! પ્રસ્તુત છે નૈતિક મૂલ્યોનું સિંચન કરતી કેટલીક લોકપ્રિય બાળવાર્તાઓ અને સાથે કેટલીક મૌલિક રજૂઆત! ચાલો, દાદા-દાદી,નાના-નાની,મમ્મી-ડેડી અને નાનકડી બોધકથાઓ સાથે બચ્ચાપાર્ટી થઇ જાઓ રેડી!
બગલો અને કરચલો (A Panchatantra story for kids in Gujarati)
બહુ વખત પહેલાની વાત છે, એક તળાવ પાસે એક બગલો રહેતો હતો.
બગલો ખબર છે ને? પેલું એકદમ રૂ જેવું સફેદ, લાંબી ચાંચ, લાંબા પગવાળું પક્ષી, જે પાણીમાં લાંબા-લાંબા ડગ ભરીને ચાલે. અને એ શું ખાય ખબર છે? માછલી ખાય, દેડકા ખાય, નાના-નાના કરચલા ખાય અને વળી પાણીમાં રહેતા જીવ-જંતુ પણ ખાય!
તો, આવો જ એક બગલો એક સરસ મજાના, નાનકડા તળાવ પાસે રહે.
તળાવ તો ખુબ સુંદર, તેમાં ચોખ્ખું, મીઠું પાણી અને એ પાણીમાં જાત-જાતની માછલીઓ અને બીજા જીવો રહે. એટલે આપણા બગલાભાઈને તો મજા જ મજા! રોજ અલગ-અલગ પ્રકારની માછલીઓ ખાવા મળે તો કોને ન ગમે? એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો....